માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત વિભાગ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસારના ઉદ્દેશ સાથે તારીખ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ‘EQUALITY’ ગ્રુપ દ્વારા બપોરે ૧:૧૫થી ૨:૩૦ વાગ્યા દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માનવ અધિકારો, ભારતીય સંસ્કૃતિ, બાળકોના અધિકારો, નિઃશુલ્ક કાનૂની સહાય, ગ્રાહક અધિકારો અને સામાજિક ન્યાય જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી ભાસ્કરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રતિભાબેન નિમાવતે બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપતા POCSO અધિનિયમ, સ્નેહાબેન નિમ્બાર્કે ભગવદ્ ગીતામાં માનવ અધિકારોનું દર્શન, જયદેવભાઈ રાઠોડે નિઃશુલ્ક કાનૂની સહાય, ભૂમિબેન ઓડેદરાએ ગ્રાહક અધિકારો, હર્ષાબેન વાઢેરે ભરણપોષણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ તથા મહેકબેન મહિડાએ હિન્દુ કોડ બિલ અને સમાન નાગરિક સંહિતા (UCC) અંગે માહિતી રજૂ કરી હતી.
આ જનજાગૃતિ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને આધુનિક માનવ અધિકારો વચ્ચેના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભગવદ્ ગીતામાં માનવ અધિકારોના દર્શન જેવા વિષયની સાથે વર્તમાન કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી રજૂ કરીને વિદ્યાર્થીઓએ માનવીય ગૌરવ, સમાનતા, ન્યાય અને વ્યક્તિગત અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે ભવન તરફથી અધ્યાપકશ્રી ડૉ. સાગર વી. અમીપરા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કાયદાકીય જનજાગૃતિની આ પ્રવૃત્તિમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રકારની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત કરેલા સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક સ્વરૂપે રજૂ કરવાની તક મળે છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાહેર સંવાદ, નેતૃત્વ, કાયદાકીય વિષયોની અસરકારક રજૂઆત અને સામાજિક જવાબદારી જેવી કુશળતાઓ વિકસાવવાનો અવસર પ્રાપ્ત થાય છે.
માનવ અધિકારોના શિક્ષણને વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા તથા ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને આધુનિક કાયદાકીય અધિકારો અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમ ભવનની મહત્વપૂર્ણ શૈક્ષણિક અને વિસ્તરણ પ્રવૃત્તિ બની રહ્યો હતો